Monday 14 December 2015

ભગવાને આપેલી બુધ્ધિનો સદઉપયોગ કરીને પોતાની જાતને અને બીજાને સમસ્યાઓના બંધનમાંથી મુક્ત કરીએ

જર્મનીમાં આવેલા કોલોન ઝુ( પ્રાણીસંગ્રહાલય) માં કાર્લસ્ટન નોટ નામનો પ્રાણીસંગ્રહાલયની દેખભાળ રાખનાર મુખ્ય માણસ હતો. કાર્લસ્ટને પોતાની આખી જીંદગી આ પ્રાણીસંગ્રહાલયમાં જુદા-જુદા પ્રકારના વાંદરાઓ સાથે વિતાવી હતી. વાંદરાઓ સાથેના વર્ષોના અનુભવ પછી કાર્લસ્ટને લખ્યુ છે કે "વાંદરાઓમાં જેની જેટલી બુધ્ધી એની એટલી પ્રગતિ અને મુક્તિ મેં જોઇ છે."
ગોરીલા વાંદરા કદમાં બહુ જ મોટા હોય પણ પોતાની બુધ્ધિનો ઉપયોગ ન કરે. તમે એના પાંજરામાં સ્ક્રુ ડ્રાઇવર નાંખો તો એની એ નોંધ પણ ન લે. સ્ક્રુ ડાઇવર એને કદાચ વાગે તો પણ ગણકારે નહી એમનુ એમ જ્યાં પડ્યુ હોય ત્યાં પડ્યુ રહેવા દે.ગોરીલા બુધ્ધિનો કોઇ ઉપયોગ જ કરતા નથી.
બીજા પ્રકારના વાંદરા છે ચિમ્પાઝી. આ વાંદરા પોતાની બુધ્ધિનો ઉપયોગ કરનારા છે. તમે ચિમ્પાઝીના પાંજરામાં સ્ક્રુ ડ્રાઇવર ફેંકો તો એ હાથમાં લઇને ધ્યાનથી નિરિક્ષણ કરે અને થોડા કલાકમાં એને બરાબર પકડતા શીખી જાય પછી પાંજરામાંથી નાના-મોટા જીવ જંતુ પસાર થાય તો એને સ્ક્રુ ડ્રાઇવરથી મારે. ચિમ્પાઝી બુધ્ધિનો ઉપયોગ બીજાને હેરાન-પરેશાન કરવા માટે કરે છે.
ત્રીજા પ્રકારના વાંદરાઓ છે બોનોબો. આ વાંદરાઓ કુશાગ્ર બુધ્ધિવાળા છે જો તમે બોનોબોના પાંજરામાં સ્ક્રુ ડ્રાઇવર ફેંકો તો એ સ્ક્રુ ડ્રાઇવર હાથમાં લઇને એની બરાબર તપાસ કરે. એકાદ કલાકમાં તો પકડતા શીખી જાય અને પછી પાંજરાના સ્ક્રુ પણ ખોલી નાંખે અને પાંજરાની બહાર આવી જાય. બોનોબો બુધ્ધિનો ઉપયોગ મુક્તિ મેળવવા માટે કરે છે.
મિત્રો, આપણે પણ વાંદરાઓના જ વંશજો છીએ આથી એમના લક્ષણો આપણામાં પણ આવ્યા છે. આપણામાંથી કેટલાક ગોરીલા જેવા છે જે ભગવાને આપેલી બુધ્ધિનો કોઇ ઉપયોગ કરતા જ નથી. કેટલાક ચિમ્પાઝી જેવા છે જે પોતાની બુધ્ધિનો ઉપયોગ બીજાને નુકસાન કરવા માટે કરે છે અને બહુ થોડા માણસો બોનોબો જેવા છે જે પોતાની બુધ્ધિનો ઉપયોગ મુક્તિ મેળવવા માટે કરે છે.
ભગવાને આપેલી બુધ્ધિનો સદઉપયોગ કરીને પોતાની જાતને અને બીજાને સમસ્યાઓના બંધનમાંથી મુક્ત કરીએ

No comments: