Monday 14 December 2015

મારુ ધ્યાન રાખનારા ભગવાન બેઠા છે એવો પૂર્ણવિશ્વાસ હોય તો મુશ્કેલીના સમયે જીવનનૈયા હાલક ડોલક થવાને બદલે સ્થિર રહીને ગતિ કર્યા કરે.

કોઇ એક શહેરમાં રહેનારુ એક દંપતિ આનંદથી એમનું જીવન વ્યતિત કરતુ હતુ. પતિ નાનુ-મોટુ કામ કરીને થોડુ આર્થિક ઉપાર્જન કરે અને એમાંથી ઘર ચાલે. પત્નિ પણ ઘરમાં બેસીને થઇ શકે એવુ કામ કરે અને પતિને મદદ કરે. બંને વચ્ચે ખુબ સારો મનમેળ હતો આથી સામાન્ય પરિસ્થિતિ હોવા છતા જીવન સુખમય હતુ.
પતિ-પત્નિ બંને પ્રભુ પરાયણ જીવ હતા. રોજ સવારે અને સાંજે એમના ઘરમાં ભગવાનની પુજા-આરતી થાય. બંને પૂર્ણભાવ સાથે આ વિધીનો આનંદ લેતા. કેટલાક દિવસથી પતિના ચહેરા પરનો આનંદ અદ્રશ્ય થઇ ગયો હોય એવુ પત્નિને લાગી રહ્યુ હતુ. પતિ ઉદાસ ઉદાસ રહેતો હતો અને પૂજા-પાઠમાં પણ એમનું મન ચોંટતુ નહોતુ.
એકદિવસ પત્નિએ પુછ્યુ, “ કંઇ તકલીફ છે ? હમણા ઘણા દિવસથી બહુ ટેન્શનમાં રહો છો અને ભગવાનના ભજનમાં પણ મન નથી હોતુ.” પતિએ કહ્યુ, “ તારુ નિરિક્ષણ બરોબર છે. છેલ્લા થોડા સમયથી વધુ મહેનત કરવા છતા પણ યોગ્ય વળતર મળતુ નથી. આપણી ઉંમર પણ વધતી જાય છે એટલે ભવિષ્યની પણ થોડી ચિંતા રહ્યા કરે છે.”
પત્નિએ પતિની આ વાત સાંભળ્યા પછી હોઇ પ્રત્યુતર ન આપ્યો પણ બીજા દિવસથી સફેદ સાડી પહેરવાની ચાલુ કરી દીધી. બે-ચાર દિવસ તો એમ જ ગયા પણ પછી એકદિવસે પતિએ પત્નિને કહ્યુ, “ આ સફેદ સાડી પહેરીને આંટા મારે છે તે કોઇ ગુજરી ગયુ છે કે શું ?” પત્નિએ દુ:ખ સાથે હા પાડી એટલે પતિએ આશ્વર્ય સાથે કહ્યુ, “ મને તો કંઇ ખબર જ નથી. કોનુ અવસાન થયુ છે ? “
પત્નિએ દુ:ખ સાથે કહ્યુ , “ ભગવાનનું મૃત્યું થયુ છે. ” પતિએ હસતા હસતા કહ્યુ, “ ગાંડી થઇ ગઇ કે શું ? ભગવાનનું તે કદી મૃત્યુ થતુ હશે ?” પત્નિએ પતિનો હાથ પકડીને કહ્યુ, “ તો પછી શું લેવાને ખોટી ચિંતા કરો છો ? ભગવાન બેઠા છે પછી શું ટેન્શન લેવાનું ?”
મારુ ધ્યાન રાખનારા ભગવાન બેઠા છે એવો પૂર્ણવિશ્વાસ હોય તો મુશ્કેલીના સમયે જીવનનૈયા હાલક ડોલક થવાને બદલે સ્થિર રહીને ગતિ કર્યા કરે.

No comments: