Friday 25 December 2015

જ્ઞાનરૂપી કુહાડાની ધાર સતત કાઢતી રહેવી પડે.

એક નગરમાં એક કઠિયારો રહેતો હતો. જંગલમાંથી લાકડા કાપી લાવે અને એ વેંચીને પોતાનું ગુજરાન ચલાવે. એકવાર એના કોઇ મિત્રએ આવીને આ કઠિયારાને સમાચાર આપ્યા કે આપણા નગરમાં એક બીજો કઠિયારો પણ રહેવા માટે આવ્યો છે એ પણ લાકડા કાપીને વેંચવાનું જ કામ કરવાનો છે માટે હવે તારે હરિફાઇનો સામનો કરવો પડશે. કઠિયારાએ મિત્રને કહ્યુ, “ અરે, ભાઇ આમાં ગભરાવાની કંઇ જરુર નથી મેં તપાસ કરી લીધી છે એ સાવ નવો છે અને મને આ ધંધાનો 20 વર્ષનો અનુભવ છે એ ગમે
તેટલી મહેનત કરશે તો પણ મારા જેટલા લાકડા નહી કાપી શકે કારણ કે એને લાકડા કાપવાનો કોઇ અનુભવ જ નથી. થોડા દિવસમાં જ આ જુના કઠિયારાએ અનુભવ્યુ કે નવો કઠિયારો એના કરતા પણ વધુ લાકડા રોજ કાપી લાવે છે. જુના કઠિયારાને થયુ કે કદાચ પોતાની પત્નિને મદદ માટે સાથે લઇ જતો હશે. તપાસ કરી તો ખબર પડી કે એ તો એકલો જ લાકડા કાપવા જાય છે. વળી જુના કઠિયારા કરતા સમય પણ ઓછો આપે છે અને છતાય વધુ લાકડા કાપી લાવે છે. પોતાના પ્રશ્નનું સમાધાન કરવા માટે એક દિવસ જુનો કઠિયારો આ નવા કઠિયારાને ઘેર મળવા માટે ગયો. નવા કઠિયારાએ આદર સાથે
પોતાના સિનિયરનું સ્વાગત કર્યુ. જુના કઠિયારાએ પોતાના પ્રશ્નની રજુઆત કરતા કહ્યુ , “ જો ભાઇ,
હું લાકડા કાપવાના આ વ્યવસાયમાં 20 વર્ષથી છું. તું તો સાવ નવો નવો આવ્યો છે. હું એ નથી સમજી શકતો કે તું એવું શું કરે છે કે જેથી અનુભવ ન હોવા છતા ઓછી મહેનતે મારા કરતા વધું લાકડા કાપી લાવે છે?” નવા કઠિયારાએ સ્મિત સાથે કહ્યુ , “ મારા વડીલ, તમે તમારા કુહાડાને છેલ્લે ક્યારે ધાર કાઢી હતી તે તમને યાદ છે? હું રોજ કુહાડાની ધાર કાઢું છું અને એટલે જ તમારા કરતા ઓછો અનુભવ હોવા છતા ઓછી મહેનતે વધુ લાકડા કાપી શકું છુંકોઇપણ ક્ષેત્રમાં જો કામ રુપી ઝાડવાને ઝડપથી કાપવા હોય તો તે ક્ષેત્રના જ્ઞાનરૂપી કુહાડાની ધાર સતત કાઢતી રહેવી પડે.

No comments: