Monday 14 December 2015

બીજાની પાસેથી અપેક્ષાઓ રાખતા પહેલા આપણે એમના માટે શું કર્યુ છે એનો પણ થોડો વિચાર કરવો બહુ જરૂરી છે.

ભારતીય આર્મીના જનરલ ફીલ્ડ માર્શલ સામ માણેકશા એક વખત અમદાવાદની મુલાકાતે આવેલા હતા. એમની આ મુલાકાત દરમ્યાન એમણે એક સભાને સંબોધીત કરવાની હતી. સામ માણેકશાએ પોતાનું પ્રવચન શરુ કર્યુ. સામ માણેકશા અંગ્રેજીમાં વકતવ્ય આપી રહ્યા હતા.
સભામાં બેઠેલા મોટાભાગના લોકોએ સામ માણેકશાને અંગ્રેજીના બદલે ગુજરાતીમાં પ્રવચન આપવા માટે કહ્યુ. સામ માણેકશાએ લોકોને કહ્યુ , “ આપની વાત સાચી છે. હું ગુજરાતી લોકોની સામે પ્રવચન આપી રહ્યો છું માટે મારે ગુજરાતીમાં જ બોલવુ જોઇએ. હું મારુ પ્રવચન ગુજરાતીમાં આપુ એ પહેલા મારે આપને એક વાત કહેવી છે. “
સામ માણેકશાએ પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “ મેં ઘણા વર્ષો સુધી ભારતીય સેનામાં ફરજો બજાવી છે અને એ દરમ્યાન ઘણા યાદગાર યુધ્ધો પણ લડ્યા છે. મારી આ સેવાઓ દરમ્યાન હું ‘શીખ રેજીમેન્ટ’ના સૈનિકો પાસેથી પંજાબી બોલતા શીખ્યો, ‘મરાઠા રેજીમેન્ટ’ના સૈનિકો પાસેથી મરાઠી બોલતા શીખ્યો, ‘મદ્રાસ સેપર્સ’ ના સૈનિકો પાસેથી તમીલ બોલતા શીખ્યો, ‘બેંગાલ સેપર્સ’ના સૈનિકો પાસેથી બંગાળી બોલતા શીખ્યો, ‘બિહાર રેજીમેન્ટ’ના સૈનિકો પાસેથી હીંદી બોલતા શીખ્યો અરે ત્યાં સુધી કે ‘ગુરખા રેજીમેન્ટ’ના સૈનિકો પાસેથી નેપાળી બોલતા પણ શીખ્યો. દોસ્તો મને માફ કરજો મારી આ સેવા દરમ્યાન મને ક્યાંય ‘ગુજરાત રેજીમેન્ટ’ જોવા ન મળી તો પછી હું ગુજરાતી કોની પાસેથી શીખી શકુ?અને કેવી રીતે બોલી શકુ? એ આપ મને સમજાવો.
આખી સભા મૌન થઇ ગઇ.
મિત્રો, બીજાની પાસેથી અપેક્ષાઓ રાખતા પહેલા આપણે એમના માટે શું કર્યુ છે એનો પણ થોડો વિચાર કરવો બહુ જરૂરી છે.

No comments: