Thursday 24 December 2015

સત્યને યોગ્ય રીતે રજુ કરવાની રીત શિખવાની જરુર છે.

એક રાજાએ રાજ્યના ત્રણ ખ્યાતનામ ચિત્રકારોને રાજદરબારમાં બોલાવ્યા. ત્રણે ચિત્રકારો એક એકથી ચડીયાતા હતા. રાજાએ કહ્યુ કે મે તમને આજે મારું પોતાનું ચિત્ર દોરવા માટે બોલાવ્યા છે. તમારે ત્રણેએ મારું ચિત્ર બનવવાનું છે અને જેનું ચિત્ર સૌથી સારુ હશે એને ઇનામ આપવામાં આવશે. રાજાને એક આંખ જ નહોતી એટલે ચિત્રકારો મુંજાયા કે હવે આવા એક આંખે કાણા રાજાનું ચિત્ર કેવી રીતે બનાવવું ? પ્રથમ ચિત્રકારે વિચાર કર્યો કે જો હું એક આંખે કાણા રાજાનું ચિત્ર બનાવીશ  તો રાજાને નહી ગમે કદાચ એવુ પણ બને કે ઇનામ આપવાને બદલે મને સજા પણ કરે માટે રાજાને કાણો ચિતરવો યોગ્ય નથી આથી એમણે રાજાનું એવું ચિત્ર બનાવ્યુ કે જેમાં રાજાને બંને આંખો હોય. બીજા ચિત્રકારે વિચાર કર્યો કે રાજા હોય તો શું થયુ ? જે સત્ય છે એ જ રજુ કરવું જોઇએ. સત્યને છુપાવીશ તો દરબારીઓને નહી ગમે અને મને ઇનામ નહી મળે. એમણે જે ચિત્ર બનાવ્યુ એમા રાજાને એક આંખે કાણો બતાવ્યો. ત્રીજા ચિત્રકારે વિચાર કર્યો કે રાજાને બંને આંખ વાળો બતાવીશ તો હું સત્યને છુપાવીશ અને એક આંખે કાણો બતાવીશ તો રાજાના ગૌરવને ઝાંખપ લાગશે. એમણે રાજાનું એક એવુ ચિત્ર તૈયાર કર્યુ જેમાં રાજા બાણથી કોઇ નિશાન તાકતો હોય અને નિશાન તાકતા આ ચિત્રમાં રાજાની જે આંખ કાણી હતી એ આંખને નીશાન તાકવાના હેતુથી બંધ કરેલી બતાવી. રાજા સહિત તમામ દરબારીઓએ આ ત્રીજા ચિત્રકારના ચિત્રને ઇનામ માટે પસંદ કર્યુ જેમાં સત્ય યોગ્ય રીતે રજુ કરવામાં આવ્યુ હતું. સત્યને છુપાવવુ જો આપણે યોગ્ય ન ગણતા હોઇએ તો તેને વરવી રીતે રજુ કરવુ પણ અયોગ્ય જ છે. સત્યને યોગ્ય રીતે રજુ કરવાની આ ત્રીજા ચિત્રકાર જેવી રીત શિખવાની જરુર છે.

No comments: