Thursday 17 December 2015

એક યુવાને અનુભવના આધારે એમણે કહેલી જીવનની બે બહું જ મહત્વની વાતો.

મિત્રો આજે એક એવા યુવાનની વાત કરવી છે જે આજે મને પહેલી વખત મળ્યો, લગભગ 3 કલાક સુધી વાત કરી અને આ 3 કલાકની વાતમાં મને પણ ઘણું શીખવી ગયો. માત્ર 22 વર્ષની ઉંમરનો આ યુવાન આજના હતાશ અને નિરાશ યુવાનો માટે બોલ્યા વગર જ ઘણો મોટો સંદેશો આપી જાય છે. થોડું લાંબું લખાણ હશે પણ ખાસ વાંચવા વિનંતી છે.

10માં ધોરણમાં નાપાસ થયેલો આ યુવાન પોતાનો ભુતકાળ વાગોળતા કહે છે કે ," એક વાર દાદાએ મારા માથા પર હાથ ફેરવીને કહ્યુ કે બેટા તું ખુબ પૈસા વાળો થઇશ પણ તારે એ માટે ખુબ મહેનત કરવી પડશે. દાદાના આ શબ્દો મને સતત મહેનત કરવા માટે પ્રેરણા આપતા રહ્યા છે. મારી ઉંમર ત્યારે 17-18 વર્ષની હતી. મારા પિતાની ઓઇલ એન્જીનના સ્પેરપાર્ટસ બનાવવાની ફેકટરી હતી પણ મારે કંઇક જુદુ કરવું હતું. મારા લગ્ન માટે પપ્પાએ 3 લાખની રકમ રાખેલી. મેં કહ્યુ પપ્પા હજું તો લગ્નને વાર છે આ રકમ મને આપો અને મારે એમાંથી આ પ્રકારનો ધંધો કરવો છે એમ કરીને મેં પપ્પાને હું જે ધંધો કરવા માંગતો હતો તેની બધી વાત કરી. પપ્પાએ આ માટે મંજુરી આપી અને ફર્નિચરમાં લાગતા હેન્ડલ બનાવવાની 2009માં શરૂઆત કરી. પપ્પાએ આ માટે વ્યાજે પણ રકમ લઇ આપી.
મહેનત કરવામાં મે પાછું વાળીને નથી જોયુ. રોજ સવારે 3 વાગે ઉઠીને 4 વાગે ફેકટરીએ અને મોડી રાત સુધી કામ કરું. એકવાર તો કામમાં એવો પડી ગયો કે એક અઠવાડીયા સુધી ઘરે જ ન ગયો ટીફીન કારખાને આવી જાય. અઠવાડીયા પછી મમ્મીનો ફોન આવ્યો ત્યારે ઘેર ગયો હતો. શરુઆતનુ 1 વર્ષ તો ખુબ જ કપરું રહ્યુ. ધારી સફળતા મળે નહી. નફાની વાત તો ત્યા રહી ઉલટાની ખોટ જાય અને માથે વ્યાજનું ચક્ર ફર્યા કરે. રાત્રે એકલો એક્લો રડું પણ ખરો પણ દાદાના શબ્દો યાદ આવે એટલે હિંમત આવી જાય.
મશીનરી આધુનિક હતી. આથી ઘણીવાર ફોલ્ટ આવે ત્યારે મને તો કંઇ ખબર ન પડે. એન્જીનીયરને હાથ જોડીને વિનંતી કરું જે રકમ થાય તે આપવાની તૈયારી બતાવું પણ કોઇ મદદ કરવા તૈયાર ના થાય. પણ પાછળથી ઇશ્વર કૃપાથી કંઇક ને કંઇક રસ્તો નીકળે.
નિરાશ થયા વગર પુરા દિલથી મહેનત કરતો રહ્યો. ફેકટરી શરુ કરી એને હજું 4 વર્ષ પણ પુરા નથી થયા. આજે વ્યાજે લીધેલી તમામ રકમ વ્યાજ સહીત પરત કરી આપી છે અને આ ઉપરાંત 1 કરોડની મિલ્કત ઉભી થઇ છે. ખુબ સારી કમાણી થાય છે. મારા લગ્નના પૈસા મે મારા ધંધામાં વાપરેલા 28 તારીખે મારા લગ્ન છે અને હવે હું ગૌરવથી મારા પૈસાથી લગ્ન કરી શકીશ."

મિત્રો આ યુવાન આજે પણ રોજ સવારે 4 વાગે ઉઠે છે અને સવારે 5 વાગે પોતાની ફેકટરીએ હાજર હોય છે. માસિક 200000થી વધુ કમાણી કરે છે. 6 દિવસ મનમુકીને કામ કરવાનું અને બુધવારે મજા કરવાની. ધંધામાં ગળાડુબ આ યુવાન દર સોમવારે સવારે 6.30 વાગે શિવમંદિરમાં પૂજન અર્ચન માટે( સવારે 5 વાગે ફેકટરી જઇ ને કામ ચાલુ કરાવ્યા પછે મંદિરે આવવાનું) અને દર બુધવારે ગરીબ બાળકોને ભોજન કરાવવા માટે જાતે ચોક્કસ પણે હાજર હોય
ચા, કોફી, પાન , બીડી કોઇ જ પ્રકારના વ્યસનો હજુ સુધી આ યુવાન સાથે મિત્રતા બાંધવામાં સફળ થયા નથી. આ યુવાનના અનુભવના આધારે એમણે કહેલી જીવનની બે બહું જ મહત્વની વાતો.

1. ખુબ પૈસા કમાજો કારણ કે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે તમારા સગા-વહાલા નહી કમાયેલા પૈસા મદદ કરે છે. અને પરિવાર માત્ર પ્રેમથી ન ચાલે પ્રેમની સાથે સાથે પૈસા પણ બહું જ જરુરી છે.

2. નાના માણસ સાથે વધુ સારા સંબંધો રાખજો કારણ કે નાનો માણસ ભવિષ્યમાં મોટો થશે ત્યારે એની સાથેના સંબંધો બહુ જ ઉપયોગી થશે. બાકી મોટા માણસો તો એટલા મોટા હોય છે કે એની પાસે હવે નાના થવાનો જ વિકલ્પ બચતો હોય છે.

No comments: