Wednesday 16 December 2015

ચલો આપણે પણ પાણી બચાવવાનો સંકલ્પ કરીને તેનો અમલ કરીએ.

થોડા સમય પહેલા એક લગ્નપ્રસંગે મારા બહુ સારા મિત્ર અને પર્યાવરણપ્રેમી ગોંડલના શ્રી હિતેશભાઇ દવે મળ્યા એમણે એક સરસ વાત કરી કે તમારા ફેસબુક સ્ટેટસ વાંચનારાની સંખ્યા ઘણી મોટી છે તો તમે વોટર હાર્વેસટીંગ પર પણ કંઇક કહેજો. એમની વાત બીલકુલ સાચી છે જો પાણીને બચાવવાના વિચારોને હવે અમલમાં નહી મુકીએ તો આપણું જીવન બચાવવું પણ મુશ્કેલ થઇ જશે એમા શંકાને કોઇ સ્થાન નથી. આ બાબતમાં એક નાની વાત.

એકવાર અકબરના દરબારમાં ગણિતના વિદ્વાનો ભેગા થયા. અકબરે એક સાવ સામન્ય પ્રશ્ન પુછ્યો , " 27 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે ?" બધાએ તુરંત જ જવાબ આપ્યો કે 18 વધે. પંદીતો વિચારમાં પણ પડી ગયા કે અકબર પણ મુરખ જેવા છે પ્રાથમિકશાળાના વિદ્યાર્થીને પુછવાનો સવાલ આપણને કેમ પુછ્યો ?. થોડી વાર પછી અકબરે બીરબલને આ જ સવાલ પુછ્યો ત્યારે બીરબલે જવાબ આપ્યો કે , " જહાંપનાહ જો 27 માંથી 9 બાદ કરીએ તો શૂન્ય વધે." બધા પંડીતો ખડખડાટ હસવા લાગ્યા કે આ બીરબલ પણ કેવો મુરખ છે આટલી પણ ખબર નથી પડતી ? અકબરે બીરબલને કહ્યુ કે બીરબલ બધાને સમજાવો કે 27માંથી 9 જાય તો શૂન્ય કેમ વધે ?

બીરબલે કહ્યુ , મહારાજ વર્ષના કુલ 27 નક્ષત્ર છે અને તેમાં 9 નક્ષત્ર ચોમાસાના છે જો આ ચોમાસાના 9 નક્ષત્રો કોરા જાય તો આખુ વર્ષ નિષ્ફળ જાય માટે 27માંથી 9 જાય તો શૂન્ય વધે.
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ટુંક સમયમાં જ ચોમાસાની શુભ શરુઆત થશે. આપણા કરતા ખુબ જ ઓછો વરસાદ હોવા છતા ઇઝરાઇલમાં પાણીની તંગી આપણા જેવી નથી કારણકે તે પાણીનો સંગ્રહ કરી જાણે છે. ચોમાસુ શરુ થાય તે પહેલા જ આપણે પાણી બચાવવાની અને પાણીનો સંગ્રહ કરવાની તૈયારી શરુ દઇએ ..........જો આપણે ત્યાં બોર હોય તો મકાનનું બધુ જ પાણી બોરમાં જાય એવું આયોજન કરીએ અને જેણે બોર રીચાર્જ કર્યા છે એ લોકોને પાણીની કોઇ તકલીફ પડતી નથી એના ઘણા બધા ઉદાહરણો મેં પોતે જોયા છે. મારા સસરાજીને ત્યાં પણ બોર રીચાર્જ થાય છે અને તેમણે તો 80000 લીટરનો અંડર ગ્રાઉન્ડ ટાંકો ગામડે બનાવ્યો છે. જે વરસાદના ચોખ્ખા પાણીથી ભરી દે છે અને આખુ વર્ષ પીવા માટે અને રસોઇ માટે આ પાણીનો જ ઉપયોગ કરે છે.
ચલો આપણે પણ પાણી બચાવવાનો સંકલ્પ કરીને તેનો અમલ કરીએ.

No comments: