Monday 14 December 2015

આપણે આપણા મા-બાપને જીવતા રાખીને છીએ કે રોજે- રોજ મારીએ છીએ.

એક યુવકને એક શયતાન સાથે મિત્રતા થઇ. પેલો શયતાન યુવકને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો હતો. અને યુવક પણ ધીમે ધીમે શયતાન તરફ ઢળી રહ્યો હતો. એક દિવસ આ યુવકે શયતાન પાસે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને કહ્યુ , " હું તને ખુબ પ્રેમ કરું છુ અને કાયમ તારી સાથે જ રહેવા માંગું છું. "
શયતાને યુવાનને કહ્યુ કે મને તારો સ્વિકાર કરવામાં કોઇ વાંધો નથી. આ વાત સાંભળીને યુવાન તો નાચવા લાગ્યો. એને નાચતો અટકાવીને શયતાને કહ્યુ , " જો તારે કાયમ મારી સાથે જ રહેવું હોય તો મારા માટે એક કામ કરવું પડશે. બોલ એ કામ કરીશ? "
યુવાને તો કોઇપણ જાતના વિચાર વગર હા પાડી દીધી. શયતાને કહ્યુ કે જો તું મારી સાથે રહેવા માંગતો હોય તો તારી " માં " ( Mother ) નું કાળજું ( Heart ) લઇ આવ અને મને ગીફ્ટમાં આપ. પેલો યુવાન તો શયતાનના પ્રેમમાં પાગલ થયો હતો. એને શયતાન સિવાય બીજું કંઇ જ દેખાતું ન હતું . એને તો બસ શયતાનનો સહવાસ જોઇતો હતો.
એ ઘેર ગયો. ભર ઉંઘમાં સુતેલી માં ને મારી નાખી. એની છાતી ચીરીને કાળજું કાઢી લીધુ અને એ કાળજુ પોતાના હાથમાં લઇને દોડતો દોડતો શયતાનને મળવા ભાગ્યો. અંધારુ હોવાથી રસ્તામાં એને ઠેસ વાગી અને હાથમાં રહેલું માં નું કાળજું નીચે પડી ગયું. થોડા થોડા ધબકી રહેલા એ માં ના કાળજામાંથી પેલા યુવાનને એક લાગણી સભર અવાજ સંભળાયો.......... " ખમ્મા મારા દિકરાને , તને વાગ્યું તો નથીને બેટા. જરા સંભાળીને ચાલ. "
જીવનમાં ઘણીવાર એવું બને છે કે આકર્ષણને પ્રેમ સમજીને શયતાનને મળવા માટે માં બાપને મારી નાખીએ છીએ. યુવાનની માં ભર ઉંઘમાં સુતી હતી એમ આપણા માં-બાપ આપણા પરના વિશ્વાસને કારણે આપણને બધી જ સ્વતંત્રતાઓ આપે છે. હાં આપણી અને પેલા યુવાનની વચ્ચે ફેર માત્ર એટલો જ પડે છે કે પેલા યુવાને એની માં ને મારી નાખી અને આપણે આપણા મા-બાપને જીવતા રાખીને  રોજે- રોજ મારીએ છીએ.

No comments: