Monday 14 December 2015

આપણને આપણી જાતનો જ પરિચય નથી.

એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે મૃત્યું પામી. ત્યાંથી પસાર થતા ઘેટાઓએ આ દૃશ્ય જોયુ અને તાજા જન્મેલા બચ્ચા પ્રત્યે દયાભાવથી પોતાની સાથે લીધું. આ બચ્ચુ સમય જતા શારિરીક રીતે સિંહ બની ગયું પરંતુ સ્વભાવ અને વિચારની દૃષ્ટીએ એ ઘેટું જ રહ્યુ કારણ કે એનો ઉછેર ઘેટાના ટોળાની વચ્ચે થયો હતો.
એકવાર કોઇ સિંહને જોઇને બધા ઘેટા ગભરાઇને ભાગ્યા તેની સાથે પેલું સિંહનું મોટું થઇ ગયેલુ બચ્ચું પણ ભાગ્યુ. સિંહે જ્યારે આ જોયું ત્યારે એને આશ્વર્ય થયું કે મને જોઇને આ ઘેટા ભાગે એ તો સમજી શકાય તેમ છે પણ મને જોઇને આ સિંહ કેમ ભાગે છે ? એણે તરાપ મારીને પેલા ભાગી રહેલા સિંહને પકડ્યો. તે તો એકદમ ગભરાઇ ગયો. ઝાડા-પેશાબ પણ છુટી ગયા. સિંહે આ ભાગી રહેલા અને પકડાયેલા સિંહને પુછ્યુ કે તું કેમ ગભરાય છે મારાથી ? પેલો કહે અરે તમે સિંહ છો અને હું ઘેટું છુ તો ડર તો લાગે જ ને !!!!!!!
સિંહ તેની ગળચી પકડીને નદીકાંઠે લઇ ગયો નદીનાં પાણીમાં બંનેનું પ્રતિબિંબ બતાવીને કહ્યુ કે જો આપણે બંને દેખાવે સરખા જ છીએ કે નહી? હું સિંહ છુ તો તું પણ સિંહ જ છે અને હજુ વધુ ખાત્રી માટે તું મારી જેમ ત્રાડ પાડ તારાથી પણ એમ થશે. પેલા સિંહને થોડો આત્મવિશ્વાસ આવ્યો અને એને ગર્જના કરી. વર્ષોથી તેનામાં રહેલું ઘેટું મૃત્યું પામ્યુ અને સિંહ જીવિત થયો.

આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ બનતું હોય છે.આપણામાં અનેક શક્યતાઓ ધરબાઇ-ધરબાઇને ભરેલી હોય છે પરંતું કમનસીબે આપણે નબળા વિચારોવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણી જાતને સામાન્ય સમજી રહ્યા છીએ. ક્યારેક એકાંતમાં આપણી જાત સાથે વાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણામાં કેવી અપાર અને અદભુત શક્તિઓ પડેલી છે પરંતું આપણને આપણી જાતનો જ પરિચય નથી.

No comments: