Monday 14 December 2015

વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.

એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું. સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જુનો થાંભલો હતો. સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલ બાઝી ગઇ હતી અને એકદમ ચીકણો થઇ ગયો હતો. સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું.
આ સ્પર્ધામાં ઘણાબધા દેડકાઓએ ભાગ લીધો. હરીફાઇનો દિવસ પણ આવી ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થનગની રહ્યા હતા. દેડકાઓની આ હરીફાઇ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓએ અંદરો અંદર વાતો ચાલું કરી.
” આ રેસ જીતવી શક્ય જ નથી.”
“ થાંભલો એટલો ચીકણો થઇ ગયો છે કે ટોચ પર કોઇ નહી પહોંચી શકે”
“ જો થોડે ઉંચે જઇને નીચે પડશે તો તો રામ રમી જાશે “
ભાગ લેનારા દેડકાઓ આ સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાએ તો રેસમાં ભાગ લેવાનું માંડી જ વાળ્યું. જેઁમણે ભાગ લીધો એ પણ જ્યાં થોડું ચઢ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા. એકત્ર થયેલા દેડકાઓ સહીતના બધાજ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જુવો અમે કહેતા જ હતા કે આ શક્ય નથી તો પણ ચડ્યા તો પડ્યાને હેઠા. કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચઢ્વાનું માંડી વાળ્યું.
એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતા ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો. એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા. પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતા એણે ચાલું રાખેલા પ્રયાસોના કારણે એ થાંભલાની ટોચ પર પહોંચી ગયો અને રેસ જીતી ગયો.
જ્યારે આ વિજેતા દેડકાને એની જીતનો પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે એની માં પણ ત્યાં હાજર હતી પત્રકારોએ એની માને પુછ્યુ કે વારંવાર નિષ્ફળ જવા છતા એ ઉપર ચડવાના પ્રયાસ કરતો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતા એ કેમ કોઇની વાત માનતો નહોતો ? દેડકાની માં એ હસતા હસતા કહ્યુ, “એ ક્યાંથી કોઇનું માને કારણકે એ તો બેરો છે એને કંઇ સંભળાતું જ નથી.”
કોઇ કાર્ય હાથમાં લઇએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે અને જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઇશું પણ જે આ દેડકાની જેમ બેરા બની જાય અને કોઇનું કંઇ સાંભળ્યા વગર સતત પ્રયાસ કરતા રહે તો વિજેતાનું ઇનામ વિધાતાએ એના માટે તૈયાર જ રાખ્યું હોય છે.

No comments: