Saturday 26 December 2015

નામના મેળવવા ગાંડા થાય છે અને બધા પસ્તાયા પણ છે.

એક રાજ્યમાં એવી માન્યતા હતી કે જે આ રાજ્યનો સમ્રાટ બને તે સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં સૂવર્ણના પર્વત પર એનું નામ લખાય. એક યુવકે નક્કી કર્યુ કે મારે સ્વર્ગમાં સૂવર્ણ પર્વત પર મારુ નામ લખવું છે. આ માટે રાજયના સમ્રાટ બનવું જરૂરી હતું. એણે આ માટે ખુબ પ્રયાસો કર્યા. પોતાના આનંદ અને ખુશી સાથે પણ કોમ્પ્રોમાઇઝ કરીને એ યુવક રાજ્યનો સમ્રાટ બન્યો.

જ્યારે એ મૃત્યું પામ્યો ત્યારે તે સ્વર્ગમાં ગયો. એ તો કંઇ કેટલાય વિચારો સાથે આગળ વધી રહ્યો હતો એને તો એમ જ હતું કે સ્વર્ગના દરવાજા પર મારા સ્વાગતની ભવ્ય તૈયારીઓ હશે પરંતું દરવાજા પર તો ગેટકીપર સિવાય બીજુ કોઇ જ નહોતું.

સમ્રાટે ગેટકિપર સામે જોઇને જરા કડકાઇ થી કહ્યુ , " તું જાણે છે હું કોણ છું? " ગેટકિપરે તો જવાબ આપવાની પણ પરવા ન કરી એટલે સમ્રાટ ગુસ્સે થયો અને પોતાનો પરિચય આપતા કહ્યુ કે હું સમ્રાટ છું. ગેટકિપરે તો ઠંડા કલેજે એટલું જ કહ્યુ કે હું જ્યારથી અહિંયા નોકરી કરું છું ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય સમ્રાટો આવી ચુક્યા છે અહિંયા.

સમ્રાટને તો આ સાંભળીને આંચકો લાગ્યો એણે ગેટકિપરને પુછ્યુ , " પેલો સોનાનો પર્વત કયાં છે ? મારે તેના પર મારું નામ લખવાનું છે." ગેટકિપરે કહ્યુ, "બસ સામે ની બાજુ થોડા આગળ જઇને ડાબી બાજુ વળી જજો ત્યાં જ એ સોનાનો પર્વત છે."

સમ્રાટ પોતાનું નામ સ્વર્ગના સોનાના પર્વત પર લખાશે તે વિચારથી જ આનંદિત થઇ ગયો અને ઝડપથી સૂવર્ણપર્વત તરફ ગયો. સોનાના પર્વત પાસે જઇને એણે જોયુ તો આખા પર્વત પર અસંખ્ય નામ લખાયેલા હતા હવે નો નામ લખવાની કોઇ જગ્યા જ નહોતી. સમ્રાટ તો મુંઝાયો કે મારે મારું નામ હવે ક્યાં લખવું?

એ પાછો ગેટકિપર પાસે આવ્યો અને કહ્યુ કે પર્વત પર નામ લખવાની કોઇ જગ્યા જ નથી હવે મારે મારું નામ કેવી રીતે લખવું. ગેટકિપરે હસતા હસતા એટલું જ કહ્યુ કે સમ્રાટજી આપ કોઇનું લખાયેલું નામ ભૂંસી નાખો અને આપનું નામ એની જગ્યા પર લખી નાખો.

લોકો પણ આ સમ્રાટની જેમ નામના મેળવવા ગાંડા થાય છે. આ માટે પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાઓ, બધા સાથેના સ્નેહપૂર્ણ સંબંધના ભોગે એ નામના મેળવે છે અને જ્યારે નામ મળે ત્યારે સમજાય છે કે મારા જેવા તો બીજા કેટલાય ગાંડાઓ આવું કરી ચુક્યા છે અને બધા પસ્તાયા પણ છે.

No comments: