Monday 14 December 2015

કોઇપણ કાર્યમાં જ્યારે ભગવાનને ભેળવવામાં આવે છે ત્યારે એ કાર્ય માત્ર કર્મયોગ બની જાય છે. ભગવાનને સમર્પિત થયેલુ કોઇપણ કાર્ય આપણને અને સામેવાળાને બંનેને આનંદ આપે છે.

અકબરના દરબારના નવ રત્નો પૈકીનું એક અણમોલ રત્ન એટલે તાનસેન. તાનસેનનું સંગિત અકબર સહિતના તમામ દરબારીનો થાક દુર કરીને એક નવા જ પ્રકારની તાજગી ભરી આપતુ. તાનસેન સુર છેડે એ સાથે જ આખા દરબારનું વાતાવરણ બદલાઇ જતુ.
એકવખત અકબરને કોઇએ વાત કરી કે તાનસેન આટલુ સરસ મજાનું ગાય છે પણ એના ગુરુ હરિદાસ એનાથી પણ સારુ ગાય છે. અકબરે તાનસેનને બોલાવીને એમના ગુરુ હરિદાસને સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. તાનસેને કહ્યુ, “ જહાંપનાહ, આપ જો મારા ગુરુદેવનું સંગિત માણવા માંગતા હોવ તો આપને મારી સાથે એમના આશ્રમ પરઆવવુ પડશે કારણકે ગુરુદેવ આ મહેલમાં નહી આવે.” અકબરને હરિદાસને સાંભળવાની તાલાવેલી હતી આથી એમણે મહેલ છોડીને આશ્રમમાં જવાની તૈયારી બતાવી.
એકદિવસ તાનસેન અકબરને લઇને ગુરુ હરીદાસ પાસે પહોંચ્યો. ગુરુજીને વંદન કરીને સામે બેસી ગયો અને અકબરને પણ બેસી જવા માટે ઇશારો કર્યો. શહેનશાહ અકબર આજે પોતાના પદને એક બાજુ હડસેલીને હેઠે બેસી ગયા. હરિદાસજીએ ગાવાની શરુઆત કરી અને ધીમે ધીમે અકબર સહીતના સૌ હરિદાસની ગાયકીમાં ડુબી ગયા. તાનસેનનું સંગિત શરીર ડોલાવતુ હતુ જ્યારે હરીદાસનું શરીર તો આજે આત્માને ડોલાવી રહ્યુ હતુ.
દરબારમાં પાછા ફર્યા બાદ અકબરે તાનસેનને પુછ્યુ, “ તારા ગુરુની ગાયકીમાં એક જુદા જ પ્રકારનો નશો હતો. એના શબ્દો મારા હદયને સ્પર્શતા હતા. તારા ગાયનમાં એવી મજા નથી જેવી તારા ગુરુજીના ગાયનમાં છે. આવુ કેમ ?” તાનસેને હાથ જોડીને કહ્યુ, “ શહેનશાહ, હું આ હિંદુસ્તાનના રાજાને રાજી કરવા માટે ગાવ છુ અને મારા ગુરુ અનંતકોટી બ્રહ્માંડના રાજાને રાજી કરવા માટે ગાય છે ? “
કોઇપણ કાર્યમાં જ્યારે ભગવાનને ભેળવવામાં આવે છે ત્યારે એ કાર્ય માત્ર કર્મયોગ બની જાય છે. ભગવાનને સમર્પિત થયેલુ કોઇપણ કાર્ય આપણને અને સામેવાળાને બંનેને આનંદ આપે છે.

No comments: