Monday 14 December 2015

લોકો આપણને માન-સન્માન કે આદર આપે એવું ઇચ્છતા હોઇએ તો બીજાનો વિચાર કરતા પણ શિખીએ દુનિયા હંમેશા એને આદરપૂર્વક યાદ કરે છે જે બીજા માટે કંઇક કરે છે માત્ર પોતાના માટે જ જીવન જીવતા લોકોને દુનિયા બહું જલ્દી ભુલી જાય છે પછી ભલેને એ મોટા સમ્રાટ હોય !

ઇટાલીમાં રહેતું એક દંપતિ તેના નાના બાળકો સાથે વેકેશન ગાળવા માટે નિકળ્યુ હતુ. રાતની મુસાફરી વખતે અચાનક લુંટારુઓએ તેની ગાડી પર હુંમલો કર્યો. દંપતિ કંઇ વિચારે એ પહેલા તો ધડા-ધડ ગોળીઓ છુટવા લાગી. આ પરિવારના નસિબ સારા હશે કે રસ્તામાં થોડે દુર એણે પોલીસને જોઇ અને ગાડી ફુલ સ્પીડમાં પોલીસ સુધી પહોંચાડી. લુંટારુ તો પોલીસને જોઇને જ ભાગી ગયા હતા.
દંપતિએ પોલીસ પાસે જઇને સમગ્ર ઘટનાની જાણ કરી. પાછલી સીટ પર શાંતિથી સુતેલા દિકરા નિકોલસને જગાડવા માટેનો પ્રયાસ કર્યો પણ એ જાગ્યો જ નહી. લાઇટ ચાલુ કરીને જોયુ તો ખબર પડી કે એક ગોળી નિકોલસની ખોપડીમાંથી પસાર થઇ ગઇ હતી. તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા પણ નિકોલસને બચાવી શક્યા નહી. નિકોલસ એવી સ્થિતીમાં હતો કે એના કેટલાક અંગો કામ કરતા હતા પણ એ નિર્જીવ હતો.
નિકોલસ હવે આ દુનિયામાં નથી એ વાતને સ્વિકારીને દંપતિએ તત્કાલ એક નિર્ણય લીધો. નિકોલસના શરિરના જે અંગો કામ કરતા હોય તે બધા જ અંગો દાનમાં આપવાનો. નિકોલસના વિવિધ અંગોથી ઘણા બાળકોને નવી જીંદગી મળી.અને પછીતો નિકોલસની જેમ ઘણા બાળકોએ પોતાના માતાપિતાને પણ પોતાને કંઇ થાય તો અંગોનું દાન કરવા માટે સમજાવ્યા. આ ઘટના પછી ઘણા બાળકોને નિર્જીવ બાળકોના અંગદાનથી નવી જીંદગી મળી જેને લોકો " નિકોલસ ઇફેક્ટ " ના નામથી ઓળખતા હતા.
થોડા સમય પછી જે સ્થળ પર લુંટના હુમલાની ગોઝારી ઘટના બની હતી તે સ્થળ પર નિકોલસને શ્રધ્ધાંજલી આપવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ અને એ કાર્યક્રમમાં નિકોલસના માતા-પિતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. જ્યારે એ દંપતિ આ કાર્યક્ર્મમાં આવી રહ્યા હતા ત્યારે અનેક બાળકો નિકોલસનો આભાર વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉભા હતા એ નિકોલસના નામના ગીતો ગાતા હતા અને નારાઓ લગાવતા હતા. " નિકોલસ અમે તને પ્રેમ કરીએ છીએ અને તું અમારામાં રહીને જીવે છે " આવા બોર્ડ વાંચીને દંપતિની આંખો ભીની થઇ ગઇ.
આ કાર્યક્રમ વખતે પોતાના પ્રવચનમાં નિકોલસના પિતાએ જણાવ્યુ કે , " નિકોલસ બહું બહાદુર છોકરો હતો. એ હંમેશા સમ્રાટ બનવાના સપનાઓ જોતો. એ એવું કામ કરશે કે લોકો એને ખુબ પ્રેમ કરશે અને એના નામના ગીતો ગાશે એવી ગાંડી ગાંડી વાતો કરતો. પણ આજે એ બધી જ વાત સાચી સાબિત થઇ રહી છે. નિકોલસનું સપનું સાકર થયું"
મિત્રો, લોકો આપણને માન-સન્માન કે આદર આપે એવું ઇચ્છતા હોઇએ તો બીજાનો વિચાર કરતા પણ શિખીએ દુનિયા હંમેશા એને આદરપૂર્વક યાદ કરે છે જે બીજા માટે કંઇક કરે છે માત્ર પોતાના માટે જ જીવન જીવતા લોકોને દુનિયા બહું જલ્દી ભુલી જાય છે પછી ભલેને એ મોટા સમ્રાટ હોય !

No comments: