Monday 14 December 2015

જે માણસ અધ્ધર ચઢે છે તેને તો પડવાનો પણ ભય છે પણ જે જમીન પર ચાલે છે તેને ભય નથી.

પંજાબ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારંભનું આયોજન થયુ હતુ. આ સમારંભમાં સરદાર પટેલને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળેલુ હતુ. સરદાર જ્યારે પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે યુનિવર્સીટીમાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થી સરદાર પાસે આવીને એમને પગે લાગ્યો.
સરદારે એમને આશીર્વાદ આપ્યા અને પછી બહુ પ્રેમથી પુછ્યુ , “ કેમ છો બેટા ? મજામા ને ?” સામે પેલા વિદ્યાર્થીએ પણ લાગણીવશ થઇને કહ્યુ , “ હા, એકદમ મજામાં છું અને આપને કેમ છે ?” સરદારે તેના માથા પર હાથ રાખીને કહ્યુ , “ બેટા, મને પણ સારુ છે.” વાત પુરી કરીને સરદાર આગળ નીકળી ગયા.
થોડીવાર પછી સરદારની સાથે રહેલા એક સાથી કાર્યકરે સરદારને પુછ્યુ, “ પેલો છોકરો તમારો કોઇ સગો હતો ?” સરદારે કહ્યુ , “ ના, હું તો એને ઓળખતો પણ નથી.” સરદારનો જવાબ સાંભળીને સાથી કાર્યકરને આશ્વર્ય થયુ. એમણે સરદારને કહ્યુ , “ તમે ઓળખતા નહોતા તો પછી એના ખબરઅંતર શું લેવા પુછતા હતા ? “
સરદારે સ્મિત સાથે જવાબ આપ્યો, “ હું ભલે એને ન ઓળખતો હોઉં પણ એ તો મને ઓળખતો હતો ને એટલે એ મારો ઓળખીતો ન હોવા છતા પણ મેં એમની સાથે વાતો કરી. તમારા માટે જે સાવ સામાન્ય માણસ હોય એના માટે આપણે અસામાન્ય હોઇએ છીએ.”
આપણા પુરુષાર્થ અને ભગવાનની કૃપાથી જો જીવનમાં કોઇ ઉંચા પદ પર પહોંચી જઇએ તો સામાન્ય માણસો સાથે બહુ પ્રેમથી વાતો કરવી. આપણો ઓલખીતો ન હોય તો પણ એ વાતો કરવા આવે અને અનુકુળતા હોય તો એમની સાથે વાતો કરવી કારણકે આપણે ભલે એને ન ઓળખતા હોય પણ એ આપણને બહુ સારી રીતે ઓળખતા હોય છે.
!! સરદાર-વાણી !!
જે માણસ અધ્ધર ચઢે છે તેને તો પડવાનો પણ ભય છે પણ જે જમીન પર ચાલે છે તેને ભય નથી.

No comments: