Wednesday 16 December 2015

જગતની સૌથી વધુ બોલાતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે.

આપણા લાડિલા ગુજરાતે મે ૧,૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાષી મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

ઇ.સ.૧૯૬૦માં મે મહિનામાં મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી અને ગુજરાતમાં ભેખધારી ઈન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી નીચે ચલાવાયેલ મહાગુજરાતના આંદોલનમાં અનેક યુવાન શહીદોની અમુલ્ય જિંદગીના બલિદાન પછી,અંતે બૃહદ મુંબઇ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત,સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો.આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.ત્યારબાદ૧૯૭૦માં ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ધરાવતા નવા બનાવાયેલ શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે,મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ .ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે ,જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.

ગુજરાતે વિશ્વના બે પડોશી દેશોને રષ્ટ્રપિતા આપ્યા છે.ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા .આ બન્ને વ્યક્તિ સૌરાષ્ટ્રની દેન છે.ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન ,વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે.

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે .એની માથાદીઠ સરેરાશ આવક-જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે.ગુજરાતના સદનસીબે એના સુકાની પદે છેલ્લા દશ વર્ષથી શ્રી નરેન્દ્ર મોદી જેવા પ્રમાણિક અને લોકપ્રિય મુખ્યમંત્રીના કાર્યદક્ષ વહીવટમાં ગુજરાતે ઘણી પ્રગતી સાધી છે.ગુજરાતે દેશના સર્વોચ્ચ વિકાસશીલ રાજ્ય તરીકે પોતાની નામના મેળવી છે.આજે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે દેશ અને પરદેશના મૂડી રોકાણકારોમાં જાણે કે હરીફાઈ થઇ રહી છે.

ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ઉપરાંત મનીમાઈન્ડેડ તરીકે જાણીતા અનેક સાહસિક ગુજરાતીઓ પૈસા કમાવા અને બહેતર જીવનની ખોજ માટે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છે, તેમાંય પરદેશ જવા માટે ગુજરાતીઓનો સૌથી પસંદગીનો દેશ જો હોય તો એ છે અમેરિકા.જગતની સૌથી વધુ બોલાતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે.

No comments: