Monday 14 December 2015

આપણે હેરાન થયા એમ બીજા હેરાન ન થાય એની તકેદારી રાખવી વધુ લાભદાયી ન ગણાય?

હર્બટ જ્યોર્જ વેલ્સ અર્થાત એચ.જી.વેલ્સના નામથી સમગ્ર વિશ્વ પરિચિત છે. શ્રી વેલ્સ જેટલા સારા લેખક હતા એટલા જ સારા માણસ પણ હતા
એકવખત કોઇ મુલાકાતી વેલ્સને મળવા માટે એમના ઘરે આવ્યા. વિશાળ બંગલો જોઇને જ મુલાકાતીને વેલ્સના વૈભવનો અંદાજ આવી ગયો. બંગલામાં દાખલ થતા જ આલીશાન રૂમ જોવા મળ્યા. કોઇ મોટા રાજા-મહારાજાના બંગલામાં હોય એવા વિશાળ રૂમ હતા. મુલાકાતીએ તપાસ કરી તો એમને ખબર પડી કે આવા આલીશાન રૂમ તો વેલ્સના નોકરોના હતા.
મુલાકાતીને વેલ્સનો રૂમ જોવાની તાલાવેલી હતી. નોકરના રૂમ જો આવા હોય તો પછી માલીકના રૂમ તો કેવા હશે ? વેલ્સ આ મુલાકાતીને એક સામાન્ય રૂમમાં લઇ ગયા. મુલાકાતીએ કહ્યુ કે મારે આપનો રૂમ જોવો છે મને એ બતાવી શકો ? વેલ્સે હસતા હસતા કહ્યુ, " ભાઇ, તમે જે રૂમમાં ઉભા છો એ મારો જ રૂમ છે." મુલાકાતી માટે આ વાત માનવી મુશ્કેલ હતી કારણકે આ તો સાવ સામાન્ય રૂમ હતો આ રૂમ કરતા તો નોકરોના રૂમ ઘણા સારા હતા.
મુલાકાતીની અસમંજસ દુર કરતા શ્રી એચ.જી.વેલ્સે કહ્યુ, " ભાઇ, આ રૂમ મારો જ છે અને મારા નોકરો મારા કરતા વધુ સારા રૂમમાં રહે છે એ વાસ્તવિકતા છે." મુલાકાતીએ કહ્યુ , " પણ આવુ કેમ ? માલીક કરતા પણ નોકરને વધુ સુવિધા મળે આવુ તો મે મારી જીંદગીમાં પહેલી વખત જોયુ"
વેલ્સે સ્પષ્ટતા કરતા કહ્યુ, " ભાઇ, હું એક બહુ સામાન્ય પરિવારમાંથી છું. હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા નોકરાણીનું કામ કરતા હતા. અમે ચાર ભાઇ બહેનો હતા અને અમારે બધાને સાવ નાના રૂમમાં રહેવુ પડતુ હતુ. નાના રૂમમાં ખુબ અગવડ પડતી હતી પણ બીજો કોઇ વિકલ્પ નહોતો અમારી પાસે તે વખતે એટલે ના છુટકે રહ્યા. નાનપણમાં મેં જે તકલીફ ભોગવી છે એ તકલીફ મારે મારા નોકરના સંતાનોને નથી પડવા દેવી માટે તેઓને વિશાળ રૂમ આપ્યા છે અને આ રૂમ મારા માટે પુરતો છે માટે મે આ રૂમ રાખ્યો છે."
મિત્રો, આપણને કોઇએ હેરાન કર્યા કોઇ કે કોઇના કારણે આપણને તકલીફ પડી હોય એટલે આપણે પણ બીજાને હેરાન કરવા કે તકલીફ આપવી એના કરતા આપણે હેરાન થયા એમ બીજા હેરાન ન થાય એની તકેદારી રાખવી વધુ લાભદાયી ન ગણાય ?

No comments: