Thursday 24 December 2015

માત્ર ધનનો જ અવાજ સાંભળવા માટે ટેવાયેલા આપણા કાનને થોડો મનનો અવાજ સાંભળવાની પણ ટેવ પાડવી જેથી સમતોલ જીવનનો આનંદ લઇ શકાય.

શાળામાં ભણતા બે જીગરજાન મિત્રો. સાથે હરવા-ફરવાનું , સાથે ખાવા-પિવાનું , સાથે નાચવા ગાવનું. એક જ્યાં હાજર હોય ત્યાં બીજો હાજર હોય જ. શાળા પુરી કરીને કોલેજમાં જવાનું થયુ અને બંને મિત્રો છુટા પડ્યા.જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ વધવા લાગ્યુ. વર્ષો પછી બંને મિત્રો અચાનક ભેગા થઇ ગયા. એક બીજાને મળીને ખુબ જ આનંદ થયો. બંને એકબીજાના જીવન વિષે જાણવા ઉત્સુક હતા. એક બગીચામાં ચાલતા ચાલતા બંને એકબીજાને શાળા પછીના જીવન વિષે વાતો કરવા લાગ્યા. શાળા પુરી કરીને મેં કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એક પૈસાદાર બાપની દીકરી સાથે મારે ઓળખાણ થઇ. એની સાથે જ લગ્ન કરી લીધા આજે 4 ફેકટરીઓનો માલિક છુ અને
લાખો રૂપિયા કમાઉ છું.બીજો મિત્ર ધ્યાનથી આ વાતો સાંભળી રહ્યો હતો એ ખીસામાંથી રૂમાલ કાઢવા ગયો તો એક સિક્કો પણ ખીસામાંથી નીચે પડી ગયો. એને તો કંઇ ખબર જ નહોતી એ મિત્રની વાત સાંભળવામાં મશગુલ હતો પણ વાત કરી રહેલા મિત્રને સિક્કો પડવાનો અવાજ સંભળાયો એટલે એણે
જોયુ અને મિત્રનું ધ્યાન દોર્યુ કે તારો સિક્કો નીચે પડી ગયો છે. પેલા મિત્રએ સિક્કો ઉપાડીને ખીસામાં મુક્યો અને પોતાની વાત કરતા કહ્યુ , “ મેં કોલેજ પુરી કરીને શિક્ષક તરીકેની કામગીરી શરુ કરી કારણકે મને જીવંત બાળકો સાથે કામ કરવું ખુબ ગમતું હતું. અત્યારે હું આ જ ગામની શાળામાં શિક્ષક તરીકેનું કામ કરુ છું.ઉદ્યોગપતિ મિત્ર તરત જ બોલ્યો , “ ઓહ માય ગોડ , આપણા બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે યાર, હું લાખો રૂપિયા કમાતો મોટો ઉદ્યોગપતિ તું સામાન્ય શિક્ષક.શિક્ષક મિત્ર પોતાના આ અમિર મિત્રને વાત કરતો અટકાવીને કંઇક સાંભળવા લાગ્યો. બાજુમાં નાની ઝાળીમાં એક પતંગિયુ ફસાયુ હતું. શિક્ષકે એ પતંગિયાને ઝાળીમાંથી મુક્ત કર્યુ અને બંને ફરીથી ચાલવા લાગ્યા. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યુ , “ અરે, યાર આ નાના પતંગિયાનો અવાજ તને કેવી રીતે સંભળાયો ?” શિક્ષકે જવાબ આપતા કહ્યુ , “ દોસ્ત તને જેવી રીતે મારા સિક્કાનો અવાજ સંભળાયો હતો એવી રીતે મને આ પતંગિયાના કણસવાનો અવાજ સંભળાયો હતો. તું સાચો જ છે આપણી વચ્ચે બહું મોટો તફાવત છે. તને ધનનો અવાજ સંભળાય છે અને મને મનનો અવાજ સંભળાય છે.માત્ર ધનનો જ અવાજ સાંભળવા માટે ટેવાયેલા આપણા કાનને થોડો મનનો અવાજ સાંભળવાની પણ ટેવ પાડવી જેથી સમતોલ જીવનનો આનંદ લઇ શકાય.

No comments: