Saturday 26 December 2015

કુહાડાથી કાપેલું ઝાડ ફરીથી ઉગે છે પણ કુહાડા જેવી જીભથી બોલાયેલા કડવા શબ્દો દ્વારા કોઇના દિલ પર પાડેલા ઉઝરડાઓ ક્યારેય ઋઝાતા નથી.

એક યુવાનનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો હતો. એને નાની નાની વાતમાં પણ બહું ગુસ્સો આવે અને ન બોલવાનું બોલી જાય પાછળથી મોટા ભાગે પસ્તાવો પણ થાય. એના પિતાને એક દિવસ એને પોતાની પાસે બેસાડીને કહ્યુ , " બેટા તું ગુસ્સામાં ગમે તે બોલી જાય છે તે યોગ્ય નથી ગુસ્સા પર કાબુ મેળવવા માટે હું તને એક નાનો પ્રયોગ કરવાનું સુચન કરું છું. તને હવે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તારે તારા રૂમની દિવાલ પર એક ખીલી લગાવવાની."

પ્રથમ દિવસે જ દિવાલ પર ઘણી બધી ખીલી લાગી ગઇ. રાત્રે જ્યારે એ યુવાન પથારીમાં પડયો ત્યારે તેનું ધ્યાન દિવાલ પર લાગેલી આ ખીલી પર ગયુ એણે નક્કી કર્યુ કે મારે આ ખીલેની સંખ્યા ઘટાડવી છે. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ દિવાલ પર લાગતી ખીલીઓની સંખ્યા ઘટતી ગઇ.

એક દિવસ એવો આવ્યો કે સવારથી સાંજ સુધીમાં દિવાલ પર એક પણ ખીલી મારવાની જરૂરીયાત ઉભી ન થઇ. તે દિવસે પેલો યુવક સાંજે નાચતો કુદતો પોતાના પિતા પાસે આવ્યો અને કહ્યુ , " પાપા આજે દિવસ દરમ્યાન મને એક પણ વખત ગુસ્સો આવ્યો નથી." એના પિતા યુવક પર ખુબ રાજી થયા અને અભિનંદન આપ્યા.

પિતાએ દિકરાના રૂમની દિવાલ પર જોયુ તો આખી દિવાલ પર ખીલીઓ લાગેલી હતી.પિતાએ દિકરાને કહ્યુ કે બેટા હવે જ્યારે તને પસ્તાવો થાય ત્યારે આ ખીલીઓ કાઢ્તો જજે. અમુક સમય પછી દિવાલ પરની બધી જ ખીલી નીકળી ગઇ. યુવાને પિતાને પોતાના રૂમમાં બોલાવીને દિવાલ બતાવતા કહ્યુ , " પાપા, જુઓ મને એટલો પસ્તાવો થયો કે બધી જ ખીલી નિકળી ગઇ છે.

પિતાએ યુવાનને એટલું જ કહ્યુ કે બેટા હવે જરા દિવાલ સામે જો ખીલી લાગ્યા પહેલાની દિવાલ કેવી હતી અને હવે દિવાલ કેવી છે. પહેલા જે ખુબ સારી દેખાતી હતી તે દિવાલમાંથી ખીલી તો નિકળી ગઇ છે પણ કાણા પડી ગયા છે.

આપણે પણ જ્યારે કોઇ સાથે ગુસ્સામાં અયોગ્ય વર્તન કરીએ છીએ ત્યારે તેના દિલ પર ઉંડા ઘાવ પડે છે જે પાછળથી માફી માંગવા છતા પણ ઋઝાતા નથી. વિદુરનિતીમાં વિદુરજીએ બહું યોગ્ય જ કહ્યુ છે , " કુહાડાથી કાપેલું ઝાડ ફરીથી ઉગે છે પણ કુહાડા જેવી જીભથી બોલાયેલા કડવા શબ્દો દ્વારા કોઇના દિલ પર પાડેલા ઉઝરડાઓ ક્યારેય ઋઝાતા નથી."

No comments: