1958ની સાલની આ વાત છે.
ગાંધીજીના ભત્રીજા નારણદાસ ગાંધીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને રેંટીયા બારસની ઉજવણી કરવા માટે રાજકોટની રાષ્ટ્રીયશાળામાં પધારવા માટે આમંત્રણ આપ્યું. રાષ્ટ્રપતિએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને દિલ્હીથી રાજકોટ ટ્રેન મારફત આવવાનું નક્કી કર્યુ.
રાષ્ટ્રપતિશ્રીની ગુજરાત યાત્રાની તૈયારીઓનું પ્લાનીંગ શરુ થયું. 12 ડબાની સ્પેશિયલ ટ્રેન અજમેરથી દિલ્હી જાય. રાષ્ટ્રપતિશ્રીના કાફલાને લઇને આ ટ્રેન દિલ્હીથી રાજકોટ આવે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજકોટથી દિલ્હી જાય અને ત્યાંથી ફરી પાછી અજમેર આવે. આ યાત્રા દરમ્યાન રાષ્ટ્રપતિશ્રીની સુરક્ષા માટે એમની ટ્રેન જે રૂટ પરથી પસાર થવાની હોય એ રૂટની તમામ ટ્રેન રદ કરવાની હતી અને એ રૂટના તમામ રેલ્વે સ્ટેશનને પણ ખાલી કરાવવાના હતા.
આ બાબતની જાણ નારણદાસ ગાંધીને થઇ એટલે એમણે તુરંત જ રાષ્ટ્રપતિશ્રીને એક ટેલીગ્રામ મોકલ્યો. એમણે આ ટેલીગ્રામમાં લખેલુ કે " આપ દેશના રાષ્ટ્રપતિ છો પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે આપણો ધર્મ દરિદ્રનારાયણની સેવા કરવાનો છે. આપની રાજકોટ મુલાકાતને કારણે હજારો લોકોને હાલાકીનો ભોગ બનવું પડશે. સમગ્રતંત્ર આપની વ્યવસ્થામાં લાગી જશે અને હજારો માનવ કલાકો બગડશે. આ સંજોગોમાં મેં આપને આપેલું આમંત્રણ હું પાછું ખેંચું છું આપ મહેરબાની કરીને હવે રાજકોટ આવશો નહી."
રાષ્ટ્રપતિશ્રીને આ ટેલીગ્રામ મળ્યો એટલે એમણે એમના સેક્રેટરી જ્ઞાનદીપ દરબારને ફોન જોડીને નારણદાસ ગાંધી સાથે વાત કરાવવા સૂચના આપી. રાજેન્દ્રબાબુએ નારણભાઇને કહ્યુ , " તમે મને મોટા અનર્થમાંથી બચાવી લીધો છે. મારે રાજકોટ આવવુ છે પણ હવે હું વિમાન દ્વારા રાજકોટ આવું તો તમને વાંધો નથી ને ? " નારણદાસ ગાંધીએ કહ્યુ , " આપ વિમાન દ્વારા આવવાના હોય તો જરૂરથી આવો અને એનો ખર્ચો પણ અમે જ આપીશું."
દેશના પ્રથમ નાગરિકને આપેલ આમંત્રણ હિંમતભેર પાછું ખેંચી શકે એવા નૈતિક બનોબળ વાળા નેતાઓ હવે ક્યાં ગોતવા જશુ ?
No comments:
Post a Comment