Monday, 14 December 2015

આપણી જાતની સરખામણી આ ભિખારી સાથે કરીએ તો સમજાશે કે આપણે કેટલા મોટા ભિખારી છીએ!!!

મહેસાણામાં એક અપંગ ભિક્ષુક રહે છે એનું નામ છે ખેમજીભાઇ પ્રજાપતિ. લોકો એને ખેમજીભાઇના બદલે ગોદડીયાબાપુ તરીકે જ ઓળખે છે કારણકે એ ફાટેલુ તુટેલુ અને સડેલુ ગોદડુ ઓઢીને જ આંટા મારતા હોય.
આખો દિવસ શહેરમાં રખડીને ભીખ માંગવાનું કામ કરે. જે કંઇ રકમ મળે એમાંથી ખાવા-પિવાનો ખર્ચો બાદ કરતા થોડી બચત પણ થાય. રગી-રગીને ભીખ માંગનારા માટે તો નાની એવી બચત પણ કરોડોની મૂડી સમાન હોય. ખેમજીભાઇએ થોડી-થોડી બચત કરીને મોટી રકમ ભેગી કરી.
સામાન્ય રીતે આપણી પાસે થોડી રકમ ભેગી થાય એટલે આપણને સારો મોબાઇલ લેવાનો વિચાર આવે અથવા સારા કપડા કે બુટ લેવાનું મન થાય પણ આ મહેસાણાના ભીખારીને કંઇક જુદુ જ મન થયુ.
ગુજરાત સરકારે હમણા તા. 11 થી 13 જુન સુધી 3 દિવસ જુદી-જુદી સરકારી શાળાઓમાં નવા પ્રવેશ લેતા બાળકોને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કર્યુ હતુ. મહેસાણાના આ દિલદાર ભિક્ષુકે પોતાની બધી જ બચત રકમનો ઉપયોગ કરીને તેમાંથી શહેરના મગપરા વિસ્તારની શાળા નં 4 ના કુલ 80 બાળકોને નોટબુક, પેન્સીલ, રબ્બર અને સંચાનું વિતરણ કર્યુ. પોતાને જે કામ કરવુ પડે છે એ કામ ભવિષ્યમાં કોઇ બાળકે ન કરવુ પડે અને શિક્ષણ લઇને જીવનમાં ખુબ આગળ વધે એવી ભાવના સાથે ખેમજીભાઇએ આ સદકાર્ય કર્યુ.
એક ભિક્ષુકનો અંતરાત્મા હજુ જીવે છે, એના હદયની સંવેદનાઓ કેટલાય ઠેબા ખાધા પછી પણ સળવળે છે અને લાગણીઓ કુંઠીત થઇ નથી. આપણી જાતની સરખામણી આ ભિખારી સાથે કરીએ તો સમજાશે કે આપણે કેટલા મોટા ભિખારી છીએ!!!

No comments: