એક સજ્જન વ્યક્તિનો પાડોશી ખુબ દુરાચારી હતો. અનેક પ્રકારની કુટેવોથી એ ઘેરાયેલો હતો. પાડોશીની બધી ખરાબ આદતો જોઇને પેલા સજ્જનને ખુબ દુ:ખ થતું હતુ. પાડોશીને શતરંજ રમવાનો શોખ હતો આથી એકવાર રજાના દિવસે એમણે પોતાના પાડોશીને શતરંજ રમવા માટે પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપ્યુ.
શતરંજના શોખીન પાડોશીએ તો તુરંત જ આ નિમંત્રણનો સ્વિકાર કર્યો અને પેલા સજ્જનના ઘરે શતરંજ રમવા માટે ગયા. બંને વચ્ચે રમત ચાલુ થઇ. સજ્જન પણ શતરંજની રમત સારી રીતે જાણતા હતા આમ છતા સામેવાળી વ્યક્તિ એમના મહોરાને બહુ સરળતાથી મારી શકે એવી અવળી ચાલ ચાલ્યા. પાડોશીએ તરત જ આ અવળી ચાલનો લાભ લઇને સજ્જનના મહોરાને મારવા માટે પોતાના મહોરાને ઉપાડ્યુ કે સજ્જને કહ્યુ , " મને માફ કરજો ઉતાવળમાં હું ખોટી ચાલ ચાલી ગયો. મારુ મહોરુ હું પાછુ લઉં છું. "
પાડોશીનું મોઢું થોડુ બગડ્યુ પણ એ કંઇ બોલ્યો નહી અને એમણે ચાલ પાછી લેવા દીધી. થોડીવાર પછી ફરીથી પેલા સજ્જન ખોટી ચાલ ચાલ્યા. એના મહોરાને મારવા માટે પાડોશીએ હજુ તો મહોરુ ઉપાડ્યુ જ હતુ ત્યાં સજ્જને ' મારી ભૂલ થઇ ગઇ ' એમ કરીને પોતાની ચાલ પાછી લીધી.
આ વખતે તો પડોશી લાલપીળો થઇ ગયો. પોતાની નારાજગી વ્યક્ત કરતા ગુસ્સા સાથે કહ્યુ , " તમે તો યાર ગજબ ના માણસ , મેં એકવાર તમારી ભૂલને જતી કરીને મહોરુ પાછુ લેવા દીધુ તો હવે તો તમે વારંવાર પાછુ લેવા માંડ્યા. "
સજ્જને પોતાના પાડોશીની સામે જોઇને સ્મિત સાથે કહ્યુ , " ભાઇ , તું રમતમાં મારી બે ખોટી ચાલોને જતી કરવા માટે તૈયાર નથી પરંતું તારી જીંદગીમાં વારંવાર ખોટી ચાલો ચાલીને એવું ઇચ્છે છે કે ભગવાન દરવખતે એને નજરઅંદાજ કરે ! "
ખરાબ આદતોનું થતુ વારંવારનું પુનરાવર્તન કદાચ આપણે એટલે જ કરતા હશુ કેમ કે આપણે તો એવુ જ માનીએ છીએ કે આવુ તો બધુ ચાલ્યા કરે. આ હવે છેલ્લીવાર જ છે. પણ છેલ્લીવારનો અંત ન આવે ત્યારે આ ખોટી ચાલ જોનારાને આપણા પર ગુસ્સો નહી આવતો હોય ?
કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ ;
પલમે પ્રલય હોયેગા, ફીર કરેગા કબ
પલમે પ્રલય હોયેગા, ફીર કરેગા કબ
No comments:
Post a Comment