મહાન કવિ કાલિદાસ કોઇ રાજાના આમંત્રણથી તેના મહેલમાં ગયા. શારિરિક દેખાવમાં કાલિદાસ બદસુરત હતા આથી રાજાએ કાલીદાસને કહ્યુ , " આપ કેવા વિદ્વાન અને પંડીત છો આપના બુધ્ધિચાતુર્યની કોઇ સાથે સરખામણી થઇ શકે તેમ નથી , કાશ ભગવાને આપને આપની વિદ્વત્તાને અનુરુપ રુપ અને ઘાટ પણ આપ્યા હોત "
કાલીદાસ સમજી ગયા કે રાજા એમના શારિરિક દેખાવની મજાક ઉડાવી રહ્યા છે પરંતું એ કંઇજ બોલ્યા નહી માત્ર હસતા રહ્યા. રાજાએ કાલીદાસને આખા મહેલમાં ફેરવ્યા અને એક મોટા સભાખંડમાં આવીને બેઠા. કાલીદાસે રાજાને કહ્યુ કે રાજા સાહેબ મને પાણીથી ભરેલા બે ઘડા જોઇએ છે, એક માટીનો અને બીજો સોનાનો, એ મળી શકશે ?રાજાએ આદેશ કર્યો અને થોડી જ વારમાં એક માટીનો અને એક સોનાનો પાણીથી ભરેલો ઘડો સભાખંડમાં લાવવામાં આવ્યો. કાલીદાસે રાજાને પુછ્યુ , " મહારાજ આમાંથી આપ ક્યા ઘડાનું પાણી પીવાનું પસંદ કરશો ?" રાજાએ કહ્યુ ," માટીના ઘડાનુ" . કાલીદાસે કારણ પુછ્યુ તો રાજાએ કહ્યુ કે માટીના ઘડાનું પાણી ઠંડુ હોય એટલે સ્વાભાવિક છે કે કોઇ પણ માણસ એ ઘડાનું પાણી જ પીવે સોનાનો ઘડો તો માત્ર જોવામાં જ સારો લાગે.
કાલીદાસે હસતા હસતા કહ્યુ , " મહારાજ પાણીની ઠંડકને બહારના દેખાવ સાથે કંઇ લેવા દેવા ના હોય તો પછી મારા જ્ઞાનને મારા શરિરના દેખાવ સાથે જોડવાની શી જરુર ?"
જીવનમાં બીજા લોકોને પણ એના દેખાવ પરથી નહી વિચારો પરથી આદર આપતા શિખીએ.
No comments:
Post a Comment