Monday, 14 December 2015

આપણી જાતને એવી ઘડી શકીએ કે જીંદગીએ જેટલા રંગ- રુપ બદલવા હોઇ એટલા ભલે બદલે આપણે તો એય ને મોજે મોજ.

કોઇ એક મહાન ચિત્રકાર એકવાર ભગવાનને મળવા માટે ગયો. ભગવાનને મળીને એણે કહ્યુ કે પ્રભુ આ જગતમાં મારી તોલે આવી શકે એવો બીજો કોઇ ચિત્રકાર નથી. ભગવાને પુછ્યુ ભાઇ તારામાં એવી કઇ વિશેષતા છે જે બીજામાં નથી ? પેલા એ ગર્વ સાથે કહ્યુ, “ પ્રભું , ચિત્રકારની નજર સામે કોઇ વ્યક્તિ હોય ત્યારે એ એનું આબેહુબ ચિત્ર બનાવી શકે એ તો સમજી શકાય પરંતું હું તો એક જ વાર વ્યક્તિને જોઇ લઉં અને પછી એ વ્યક્તિ મારી સામે ના હોય તો પણ હું આબેહુબ એ વ્યક્તિના જેવું જ ચિત્ર બનાવી શકું.”
ભગવાને કહ્યુ આ તો ખરેખર અદભુત કલા છે. ચાલ મારું જ ચિત્ર બનાવી ને બતાવ. પેલા ચિત્રકારે ભગવાનને પગથી માથા સુધી ધારી ધારીને જોયા પછી કહ્યુ કે પ્રભુ હવે આપ જતા રહો કલાક પછી આવજો. કલાકમાં પેલા ચિત્રકારે ચિત્ર તૈયાર કરી નાખ્યુ અને ભગવાન આવ્યા. ચિત્રકારે હરખાતા હરખાત કહ્યુ જુવો પ્રભુ છે ને બીલકુલ આપના જેવુ જ ? ભગવાને ચિત્ર સામે જોઇને કહ્યુ અરે ભાઇ આમાં તો કંઇ મારા જેવું નથી તું ગાંડો થયો છે કે શું? ચિત્રકારે ભગવાનની સામે જોયુ તો એ તો જોતો જ રહી ગયો. ભગવાને પોતાનો ચહેરો જ બદલી નાખ્યો હતો.
પણ આ ચિત્રકાર પણ હાર માને એમ નહોતો એને બદલાયેલા ચહેરાનું ચિત્ર બનાવ્યુ અને ભગવાને ફરી વાર ચહેરો બદલ્યો આવું ઘણીવાર બન્યુ. ચિત્રકાર મુંજાયો કે આ ભગવાન તો દરેક વખતે પોતાનો ચહેરો બદલી નાખે છે મારે શું કરવું ? ત્યાં નારદજી આવ્યા એણે ચિત્રકારની સમસ્યા સાંભળી અને કાનમાં એનો ઉકેલ કહ્યો. ચિત્રકાર નારદજીની વાત સાંભળીને ખુશ થઇ ગયો.
થોડીવારમાં ભગવાન આવ્યા . ચહેરો તો બદલાય ગયો હતો ભગવાન કહે ભાઇ હવે તો હાર માની લે. પેલો ચિત્રકાર કહે ના પ્રભુ આપ જુવો આપનું જ ચિત્ર બનાવ્યુ છે. ભગવાને ચિત્ર સામે જોયુ અને ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, અરે તને કોઇ સારો માર્ગદર્શક મળી ગયો લાગે છે ? આ વખતે ચિત્રકારે નારદજીના કહ્યા પ્રમાણે ચિત્ર દોરવાને બદલે એલ સરસ ચિત્રના માપનો અરિસો જ મુકી દીધો હતો. હવે ભગવાનને જેટલા રુપ બદલવા હોઇ એટલા ભલે બદલે અરિસો સાચુ ચિત્ર જ બતાવશે.
જીંદગી પણ ભગવાનની જેમ રોજ રોજ બદલાયા કરે છે. જો નારદજી જેવા કોઇ યોગ્ય માર્ગદર્શક મળી જાય તો આ બદલાતી જીંદગીની સામે પણ આપણે આનંદમાં રહી શકીએ...આપણી જાતને એવી ઘડી શકીએ કે જીંદગીએ જેટલા રંગ- રુપ બદલવા હોઇ એટલા ભલે બદલે આપણે તો એય ને મોજે મોજ.

No comments: