એક ભાઇ પોતાના દિકરાને ખુબ પ્રેમ કરતા હતા. એમને ઇચ્છા હતી કે એમનો દિકરો ખુબ સારો માણસ બને અને જીવનમાં એવી પ્રગતિ કરે કે જેથી લોકો એના દિકરાના નામથી એમને ઓળખે. દિકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિકરા સાથે બેસીને ખુલ્લા મનથી થોડી વાતો કરવાનુ આ ભાઇએ નક્કી કર્યુ.
એકદિવસ એમણે દિકરા સાથે બહાર જમવા જવાનું આયોજન કર્યુ જેથી વાતો કરવામાં કોઇ એમને ડીસટર્બ ન કરે. બંને એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. દિકરો પણ અચંબામાં હતો કે આજે અચાનક પપ્પા મને એકલાને કેમ જમવા માટે બહાર લાવ્યા છે.
જમતા જમતા પિતાએ દિકરાને પોતાના દિલની વાત કરતા કહ્યુ, " બેટા હું તને સફળતાની ટોચ પર જોવા માંગુ છું. મારી એટલી જ સલાહ છે કે તારી આ જીવનયાત્રામાં બહુ સમજી વિચારીને પગલા ભરજે." પિતાની વાત ધ્યાનથી સાંભળી રહેલા દિકરાએ પિતાને બોલતા અટકાવીને કહ્યુ , " અરે પપ્પા, આપ મારા કરતા બુધ્ધિશાળી અને અનૂભવી છો તો આપ જ જરા સમજી વિચારીને આપની જીવનયાત્રામાં પગલા ભરજો એટલે પછી હું બહુ સરળતાથી આપનું સપનું સાકાર કરી શકીશ."
પિતાએ આશ્વર્ય સાથે પુછ્યુ, " હું સમજી વિચારીને કોઇ પગલા ભરુ એમાં તને સફળતા કેવી રીતે મળે ? " દિકરાએ ખુબ સુંદર જવાબ આપ્યો , " પપ્પા , હું તમારા પગલે પગલે જ ચાલવાનો છું. જો તમે યોગ્ય દિશામાં પગલા ભર્યા હશે તો એ મને પણ યોગ્ય દિશામાં જ લઇ જશે."
સંતાનો સાંભળીને જે શીખે છે એના કરતા જોઇને વધુ શીખે છે. તમારા સંતાનને તમારે જેવા બનાવવા હોય એવા તમે પોતે બની જાવ પછી એ તમારા પગલે જ ચાલવાના છે.
No comments:
Post a Comment